04/06/2021
પોસ્ટ કોવિડ જોખમ:શા માટે મ્યુકોરમાઈકોસિસ દર્દીઓની આંખ જતી રહે છે? ડાયાબિટીક દર્દીઓને જ કેમ વધારે જોખમ? આ બીમારીથી બચવા માટે શું કરવું? જાણો મ્યુકોરમાઈકોસિસનું A TO Z
લેખક: ઈશિતા શાહ
કોરોનાથી સાજા થયેલાં દર્દીઓએ ખાસ ડાયાબિટીક ડાયટનો આગ્રહ રાખવો જોઈએ
કોરોના થયા બાદ આંખની કોઈ પણ સમસ્યા હોય તો તેને મ્યુકોર સમજીને જ ડૉક્ટર પાસે જવું જોઈએ
મ્યુકોરમાઈકોસિસ અને લંગ્સ ઈન્ફેક્શન વચ્ચે કોઈ સીધો સબંધ નથી પરંતુ લંગ્સ ઈન્ફેક્શનમાં અપાતી સારવાર સાથે તે સંબંધ રાખે છે
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દર્દીઓ કરતાં રિકવર દર્દીઓની સંખ્યા વધારે હોવાથી મેડિકલ સિસ્ટમ સહિત સરકાર રાહતના શ્વાસ લઈ રહી છે. પરંતુ આ સારા સમાચાર વચ્ચે એક ચિંતાનું કારણ પણ લોકોને પરેશાન કરી રહ્યું છે. આ કારણ પોસ્ટ કોવિડ બીમારી મ્યૂકોરમાયકોસિસ છે. આ એક પ્રકારની ફૂગ છે જે સાયનસમાં પ્રસરી એટલી ગંભીર બની રહી છે કે લોકો મોતને ઘાટ ઉતરી રહ્યા છે. અમદાવાદ, સુરત અને વડોદરા સહિત ઠેર ઠેર મ્યૂકોરમાઈકોસિસના કેસો સામે આવી રહ્યા છે. મ્યૂકોરમાઈકોસિસ ડાયાબિટીસના દર્દીઓ પર વધારે અટેક કરી રહ્યો છે. તેવું પણ એક અવલોકન સામે આવ્યું છે. શા માટે મ્યુકોરમાઈકોસિસ ડાયાબિટીક પોસ્ટ કોવિડ દર્દીઓમાં વધારે જોવા મળી રહ્યું છે? કોવિડ દરમિયાનની સારવાર કેવી રીતે આ બીમારી સાથે સંકળાયેલી છે? પોસ્ટ કોવિડ દર્દીએ તેનાથી બચવા શું કરવું જોઈએ? આવા અનેક સવાલોના જવાબો આવો જાણીએ નિષ્ણાતો કેવી ચેતવણી આપી રહ્યા છે અને પોસ્ટ કોવિડ દર્દીઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ...
આ બીમારી એટલી ગંભીર બની રહી છે કે તેને લીધે દર્દીઓએ પોતાની આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. શા માટે પોસ્ટ કોવિડ દર્દીઓએ પોતાની આંખ ગુમાવવી પડી રહી છે અને ડાયાબિટીક પેશન્ટને જ કેમ વધારે અસર કરે છે.
મ્યુકોરમાઈકોસિસ એક ફંગલ ઈન્ફેક્શન છે. તે ડાયાબિટીક પેશન્ટ પર એટલે ગંભીર બની રહ્યું છે કારણ કે તેમની ઈમ્યુનિટી ઓછી હોય છે અને પોસ્ટ કોવિડ દર્દીઓમાં તે વધારે જોવા મળે છે. કોરોનાવાઈરસની સારવારમાં સ્ટીરોઈડના ડોઝને કારણે ઈમ્યુનિટી ઘટે છે. તેને લીધે આ ઈન્ફેક્શન વધુ ફેલાવાના ચાન્સિસ હોય છે. જેટલું સુગર લેવલ વધે તેટલું આ ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. સાથે જ પોસ્ટ કોવિડ દર્દીઓમાં આયર્નનું લેવલ પણ વધી જાય છે તેથી આ ફંગસને ફેલાવાનું વધુ એક કારણ મળી જાય છે.
આ લક્ષણો દેખાય તો ચેતી જવું
આ ઈન્ફેક્શન ગંભીર તો છે જ પરંતુ જો પોસ્ટ કોવિડ દર્દી તેમાં પણ ડાયાબિટીક દર્દીઓ વહેલી તકે લક્ષણો ઓળખી યોગ્ય ડૉક્ટર પાસે તેનું નિદાન કરાવે તો દર્દીની સ્થિતિ ગંભીર થતાં બચાવી શકાય છે. મ્યુકોરમાઈકોસિસના ધીમે ધીમે વધતાં લક્ષણો આ પ્રકારે છે:
જો આ લક્ષણો દરમિયાન સમયસર ટ્રીટમેન્ટ ન કરવામાં આવે અને દર્દીની ઈમ્યુનિટી ઘણી જ લૉ હોય તો અંતે આ ઈન્ફેક્શન આંખમાં પહોંચી જાય છે. અતિ ગંભીર સ્થિતિમાં આ ફંગસ આંખથી ફેલાઈને મગજ પર પણ અસર કરી શકે છે. તેથી પોસ્ટ કોવિડ દર્દીઓને સલાહ છે કે ઉપરોક્ત લક્ષણોમાંથી કોઈ પણ લક્ષણો દેખાય તો તેમણે ENT સ્પેશ્યાલિસ્ટ પાસે જવું જોઈએ અને સમયસર સારવાર શરૂ કરાવવી જોઈએ.
પોસ્ટ કોવિડ દર્દીઓ આ વાતોનું ખાસ ધ્યાન રાખે
આ ફંગલ ઈન્ફેક્શનને સામાન્ય આંખનું ઈન્ફેક્શન સમજી ગમે તે ટીપાં આંખમાં ન નાખવા. કારણ કે આ ફંગસ અને ટીપાંનો કોઈ રોલ નથી
લક્ષણો દેખાંતાં તરત જ ડૉક્ટર પાસે જવું
ઈન્ફેક્શન થયા બાદ આંખ કાઢવા અંગે ઝડપી નિર્ણય લેવો. નહિ તો ઈન્ફેક્શન મગજ સુધી પ્રસરી શકે છે
કોરોના થયો હોય તો આપમેળે ડૉક્ટરની સલાહ વગર સ્ટીરોઈડના ઈન્જેક્શન ન લેવાં
ગંભીર સ્થિતિ છે એક આંખે વિઝન લોસ થાય તો તરત દર્દીએ આંખ કઢાવવા માટે નિર્ણય લેવો જોઈએ. જો આ નિર્ણય લેવામાં 2 -3 દિવસ બાદ લેવામાં આવે તો દર્દીની બંને આંખની દૃષ્ટિ જતી રહે છે અને બંને આંખ કાઢવી પડે છે. હાલ કોરોનાના કેસ ભલે ઓછા થઈ રહ્યા હોય પરંતુ મ્યુકોરમાઈકોસિસની હાલત હજુ ગંભીર બનશે. સ્થિતિ એવી બની રહી છે કે તેના એકમાત્ર રામબાણ ઈલાજ કહેવાતા એમ્ફોટેરિસિન B ઈન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. આ ઈન્જેક્શનની અછતને લીધે મેડિકલ ઈમર્જન્સી ન ઊભી થાય તે માટે સરકારે અત્યારથી નોંધ લેવી જોઈએ.
સામાન્ય ઈન્ફેક્શન કે મ્યુકોરમાઈકોસિસ?
સામાન્ય ઈન્ફેક્શન કે મ્યુકોરમાઈકોસિસ વચ્ચે કેવી રીતે ઓળખ કરી શકાય?
જો તમને કોરોના થયો હોય તો તમને આંખમાં થતી કોઈ પણ તકલીફ મ્યુકોરમાઈકોસિસ જ છે એ સમજીને જ આગળના પગલાં લો. કોરોના થયા બાદ આંખ ઢળી પડે રંગ બદલાઈ જાય ઝાંખું દેખાય આવાં કોઈ પણ લક્ષણો જણાય તો તરત નિષ્ણાત પાસે જઈને નિદાન કરાવવું જોઈએ.
મ્યુકોરમાઈકોસિસનું જોખમ પોસ્ટ કોવિડ ડાયાબિટીક પેશન્ટમાં વધારે જોવા મળી રહ્યું છે. ડાયાબિટીક પેશન્ટની ઈમ્યુનિટી ઓછી હોય છે અને કોરોના વાઈરસ અટેક બાદ ફંગસ થાય તો તેને ગ્રો કરવાનું કારણ મળી જાય છે. હાઈ સુગરને લીધે આ ફંગલ ઈન્ફેક્શન ફેલાવવાના વધારે ચાન્સિસ છે. તેથી ડાયાબિટીક પેશન્ટને સુગર લેવલ મેન્ટેન કરવાની ખાસ જરૂરિયાત છે.
ડાયાબિટીક પેશન્ટની આ પ્રકારે સાર સંભાળ રાખવી
કોરોના થયો હોય તેવા ડાયાબિટીક પેશન્ટે બીજા અઠવાડિયાંથી સ્ટીરોઈડ લેવું જોઈએ. તેમાં પણ દિવસમાં 6 વખત દર્દીનું સુગર લેવલ માપવું જોઈએ. ઈન્સુલિન સાથે અને તેના વગર સુગર લેવલનું અવલોકન કરવું જરૂરી છે. અન્ય કોઈ પણ દવા સુગર લેવલને ધ્યાનમાં રાખી લેવી જોઈએ.
આ રીતે ડાયાબિટીક કોવિડ દર્દી સુગર લેવલ કન્ટ્રોલ કરી શકે છે
દર્દીઓને 'વ્હોટ્સએપ યુનિવર્સિટી'ને બદલે ડૉક્ટર પર વધારે વિશ્વાસ મૂકવો જોઈએ, કોરોના થયાનાં પ્રથમ અઠવાડિયેથી ડાયાબિટીક કોવિડ પેશન્ટે સ્ટીરોઈડ ન લેવું જોઈએ. આના કારણે વાઈરસને ગ્રો કરવાની તક મળે છે. જો લંગ્સ ઈન્ફેક્શન હોય અને ઓક્સિજન લેવલ ઓછું હોય તો જ પ્રથમ વીકમાં સ્ટીરોઈડના ડોઝ લેવા જોઈએ.
આ ફંગસ સાયનસ પર અસર કરે છે. ડાયાબિટીક પેશન્ટમાં ઈમ્યુનિટી લૉ હોય છે. તેથી આ ફંગસ તેમનામાં વધારે ગ્રો થાય છે. વધારે પડતો હાઈ કેલરી અને સુગર યુક્ત આહાર લાંબા સમય સુધી લેવાથી દર્દીઓને આ ફંગસ થવાનું જોખમ વધારે હોય છે. મ્યુકોરમાઈકોસિસના 95% કેસોમાં મૃત્યુ થતું હોય છે. તેથી દર્દી પહેલાંથી જ સાવચેતી રાખે તે ખુબ જરૂરી છે.
લંગ્સ ઈન્ફેક્શનની સારવાર અને મ્યુકોરમાઈકોસિસનાં ઈન્ફેક્શનનો સંબંધ
કોવિડ દરમિયાન અપાતી સારવારને લીધે આ ઈન્ફેક્શન થાય છે
લંગ્સ ઈન્ફેક્શન ઓછું કરવા માટે અપાતી દવાઓ ઈમ્યુનિટી લૉ કરે છે
લાંબા ગાળા સુધી દર્દીને સ્ટીરોઈડ આપવામાં આવે તો આ ઈન્ફેક્શનનું જોખમ રહે છે
કોરોના વાઈરસ ફેફસાંમાં કોષો ચોંટાડી દે તેવા દ્રવ્યો ઉત્પન્ન કરે છે. આ દ્રવ્યો જામેલાં ન રહે તે માટે સ્ટીરોઈડ સહિતના ઈન્જેક્શન આપવામાં આવે છે. તેને કારણે રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. મ્યુકોર નામની ફુગ વાતાવરણમાં છે જ અને તે અનેક લોકોના સાયનસમાં રહેલી હોય છે. આ પ્રકારની દવાના ઉપયોગથી ઈમ્યુનિટી લૉ થવાથી ફંગસને ફેલાવાની તક મળે છે. આ પ્રકારના ઈન્ફેક્શન પોસ્ટ કોવિડ સાથે કેન્સર સહિતના દર્દીઓને પણ થાય છે.
મ્યુકોરના કેસો વધી રહ્યા હોવાનું આ કારણ
આ વખતે મ્યુકોરના કેસ એટલા માટે આટલી મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે કારણ કે દર્દીઓને હાઈ ઓક્સિજનના ફ્લો આપવામાં આવી રહ્યા છે. ત્યારે નાકના પોલાણમાં પ્રેશરથી ઓક્સિજન જાય છે. તેને કારણે તેનું ડ્રેનેજ થતું નથી. આ કેસમાં નાકમાં રહેલી આવી ફુગ અને ગંદકી પ્રસરતી જાય છે. કોવિડ મ્યુકોર લાવતી નથી પરંતુ તે દરમિયાન અપાતી સારવાર, દર્દીની ઈમ્યુન સિસ્ટમ અને અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ આ ફંગલ ઈન્ફેક્શનનું કારણ બને છે.
સૌજન્ય - દિવ્યભાસ્કર