26/09/2025
મિલિટરીના સૈનિકો કોઈ સ્પેશિયલ પ્રકારની વિટામિન-કેલ્શિયમની ગોળીઓ ખાઈને મજબૂત નથી બનતા. તેઓને યોગ્ય ખોરાક અને શારીરિક કસરતની ટ્રેનિંગ આપે એટલે મજબૂત બને છે. બાકી તેઓ જન્મ્યા ત્યારે તો આપણાં જેવા જ હતાં.
............................
"સાહેબ મને આ ડાબો હાથ, ડાબી છાતી અને ખભો, થોડા-થોડા દિવસે, કાયમ દુઃખવા આવે છે. મારે આ હાથેથી જ અંગૂર પકડીને હીરાનું કામ કરવાનું હોય છે. અને આને લીધે કામ થતું નથી. મને હ્રદયની કોઈ તકલીફ નથી. હ્રદયના બધા રિપોર્ટ નોર્મલ આવે છે. આ શેનો દુઃખાવો હશે જે સારો થાતો જ નથી?"
"તમારાં વર્ણન ઉપરથી લાગે છે કે તમને સ્નાયુનો દુઃખાવો થાય છે."
"બધાં ડોક્ટર એમ જ કહે છે. પણ આ સ્નાયુંનો દુઃખાવો શું હોય, એ જ ખબર નથી પડતી..!"
"ભગવાને ચામડીની નીચે, આખા શરીરમાં, બધે અલગ અલગ આકારના સ્નાયુઓ આપ્યા છે. જેને સાદી ભાષામાં 'ગોટલા' કહીએ છીએ. તેનું કામ હોય છે, હાથ પગ કે શરીરનું હલન ચલન કરવા માટે, જોર-તાકાત લગાવવું. અલગ-અલગ સ્નાયુઓ, અલગ-અલગ પ્રકારના હલન-ચલન માટે તાકાત કરે છે. દા.ત. હાથને હવામાં ઉંચા કરવા ખભાના સ્નાયુ તાકાત કરે છે, ઉભા થવા માટે સાથળનાં, વાંકા વળવા માટે કમરના અને હીરાનું અંગૂર પકડવા ખભા-હાથ તથા છાતીની પાંસળીના સ્નાયુઓ તાકાત કરે છે."
"પણ એમાં દુખાવો થાય શેના કારણે?"
"સ્નાયુનો દુઃખાવો તેની 'કેપેસિટી' કરતા 'વધારે કામ' લેવાય તો થાય છે.
"એટલે ?"
"મતલબ કે, યા તો 'કામ વધારે' લેવાયું અથવા તો તેની 'કેપેસિટી ઘટી' ગઈ હોય તો દુઃખે. અથવા બન્ને કારણ સાથે હોય."
"એટલે શું ? સમજાયું નહીં."
"માનો કે મને રોજ મેક્સિમમ બે કિલોમીટર ચાલવાની આદત છે. પરંતુ હું ૨૫ કિલોમીટર પગપાળા ચાલીને માનતા કરું, તો મને પાછા આવીને થોડા દિવસ સુધી પગના સ્નાયું(ગોટલા) દુઃખુશે. જે મારી 'કેપેસિટી કરતાં વધારે' ચાલ્યો એટલે થયું. તેની સામે જો મને ડાયાબીટીસ વધેલું હોય, તાવ આવેલો હોય, વિટામિન-કેલ્શિયમ કે લોહીના ટકા ઘટેલા હોય, તો હું બે કિલોમીટર ચાલીશ તો પણ મને પગ દુઃખશે. આને 'કેપેસિટી ઘટી' ગયેલી કહેવાય."
"બરાબર, પણ આટલું બધું દુઃખે તો પણ રિપોર્ટ માં કેમ કઈ આવતું નથી.?"
"રીપોર્ટમાં બીજું કશું નથી તો સ્નાયુનો દુઃખાવો છે એમ માનવાનું હોય છે. ૨૫ કિમી પગપાળા ચાલીને આવ્યા પછી તમરાં પગના એક્સ રે કે સોનોગ્રાફી કરે તો તેમાં કઈ આવશે નહીં. એવી રીતે દુઃખાવો હીરાનું અંગૂર એકની પોઝિશનમાં પકડી રાખવાથી થયો હોય તો એક્સ-રે કે કાર્ડીયોગ્રામમાં કઈ આવશે નહીં. તેમાં ફ્રેકચર ભાંગ તૂટ અથવા હાર્ટ એટેક હોય તો જ લખાય ને આવે. જ્વલ્લે સ્નાયુઓ પોતે ગંભીર રીતે ઈજા પામ્યા હોય તો જ MRI કે બ્લડ ટેસ્ટમાં ખબર પડે."
"સારુ, પણ આ સ્નાયુનો દુઃખાવો છે તો એની દવા લઉં તો સારું તો થવું જોઈએ ને. દવા લઉં તો ખાલી થોડા દિવસ સારું રહે છે. પછી ફરીથી દુઃખે છે, હવે શું કરવું ?"
"દુઃખાવાની પેઈન કિલર દવાઓ એ માત્ર "રાહત" ની દવા હોય છે. તેના કેફમાં સારુ લાગે. અને તમે ફરીથી સ્નાયુઓ પાસેથી કેપેસિટી કરતાં વધારે કામ લ્યો તો ફરીથી દુઃખાવો થાય. સ્નાયુઓના દુઃખાવાનો સાચો ઈલાજ છે તેની "કેપેસિટી" વધારવી."
"એ કઈ રીતે વધે? મતલબ કે કેલ્શિયમ વિટામિનની દવા ને..? એ તો મને બધા ડોક્ટર એ લખી આપી હતી. B12 ના ઈન્જેક્શન લઈ લીધા, વિટામિન ડી નો કોર્સ પૂરો કર્યો. પણ હજી મારાથી જાજી વાર સુધી અંગૂર પકડાતું નથી."
"સ્નાયુઓની કેપેસિટી વધારવા ઘટતાં વિટામિન લઈએ એટલું પૂરતું નથી. તેના માટે 'ફિઝિયોથેરાપી' ડિગ્રી વાળા ડોક્ટર પાસે જઈ સ્નાયુઓની ફિઝિયોથેરાપી સારવારનો કોર્સ કરવો પડે. અને તેમના શીખવ્યા મુજબના યોગાસન અને કસરત કાયમ કરતાં રહેવા પડે."
"એવું કેમ ..? મને તો રોજ જવું ફાવે નહીં. મને તમ તમારે ભારે માથી શક્તિની વિટામિનની દવા આપી દો. મને જલ્દી સારું થઈ જાય."
"મિલિટરીના જવાનો ૨૫ કિલોમીટર ચાલવાની માનતા પૂરી કરે તો તેને પગ નહીં દુઃખે. તેઓ જનમથી એટલા મજબૂત નહોતાં. એ લોકોને કોઈ 'સ્પેશ્યલ' વિટામિન-કેલ્શિયમની ટીકડીઓ આપીને મજબૂત નથી બનાવ્યા. તેમની કેપેસિટી વધારવા તેઓ યોગ્ય ખોરાક અને સતત શારીરિક કસરત કરવાની ટ્રેનિંગ લે એટલે મજબૂત બને. તેઓને શરૂઆતમાં રોજ 2 કિલોમીટર દોડવાની, પછી 5 કિલો મીટર દોડવાની અને ધીરે ધીરે 20 કિલોમીટર દોડવાની પ્રેક્ટિસ કરેલી હોય છે. ત્યારે એ એટલા મજબૂત બને કે તેઓ 25 કિલોમીટર પગપાળા ચાલે તો પણ તેમના પગ ન દુઃખે.
તમારા ખભાના સ્નાયુની કેપેસિટી વધારવા, આવી ટ્રેઇનિંગ લેવા BPT ડિગ્રી વાળા 'ફિઝિયોથેરાપીસ્ટ' ડોક્ટર પાસે જવું પડશે. તેઓ તમને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખભાના સ્નાયુઓના શેક અને તમારી તકલીફને અનુરૂપ યોગાસન કરાવશે. ત્યાર બાદ ધીરે ધીરે લોડ વધારીને કસરત કરાવશે. અમુક દિવસો સુધી આવું કરે પછી તમારાં સ્નાયુની કેપેસિટી વધશે. તેમણે શીખવેલી કસરત અને યોગાસન કાયમ કરતાં રહેવાના. પછી તમે અંગૂર પકડીને કામ કરો છતાં ખભો નહીં દુઃખે.
જો તમે ફિઝિયોથેરાપી નહીં કરો, તો માત્ર વિટામિન કેલ્શિયમની દવાઓનો કોઈ ફાયદો થશે નહીં. અને પેઇન કિલર દવા પૂરી થયા પછી ફરીથી દુઃખાવો ચાલુ થઈ જશે...!
"સાહેબ અમારા ઘર પાસે થેરાપીનું સેન્ટર છે. એ લોકો ફ્રી માં કરાવે છે. ત્યાં જઈએ એટલે ચાલે? એમાં તો એવા પોઈન્ટ ય આપે છે કે કેન્સર પણ મટી જાય."
"મસાજના ખાટલાને ફિઝિયોથેરાપી કહેવાય નહીં. BPT ડિગ્રી વાળા ડોક્ટર કરાવે તેને જ ફિઝિયોથેરાપી કહેવાય. એ ખાટલા/પોઈન્ટનું સેન્ટર, એક પ્રકારનો મસાજનો ખાટલો વેચવાનો ધંધો કહેવાય."