03/07/2025
એરોપ્લેન ક્રેશ જેવી ઘટના બાદ કેવી રીતે કરાય છે મૃતકો ની ઓળખ? શું છે તેનું વિજ્ઞાન?
https://t.me/DrNehalVaidya/431
આપણે ક્યારેય ધાર્યું ન હોય તેવો ગમખ્વાર અકસ્માત અમદાવાદમાં બની ગયો. વિમાન ઉપર ચડવાને બદલે ટેક ઓફ બાદ નીચે પટકાયું, એટલે તરત અગનગોળો બની ગયું. તેમાં ભારોભાર ફ્યુઅલ હતું એ સળગી ગયું.
વિમાનના યાત્રીઓ તો બળ્યા જ, પણ તેની સાથે સાથે વિમાન જ્યાં પડ્યું, એ મેડિકલ કોલેજની હોસ્ટેલ અને મેસમાં જમી રહેલા ડોક્ટર્સ પણ ચપેટમાં આવી ગયા. અત્યારે આખો દેશ આ ઘટનાથી સ્તબ્ધ છે.
જો કે, બચાવકાર્ય તરત જ ચાલુ થયું હતું. કોઈ એક વ્યક્તિ બચી જવા પામી છે, જ્યારે અનેક લોકોનાં મોત એવી રીતે થયાં છે કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ છે.
આવે વખતે મૃતદેહોની ઓળખ કરવી ખૂબ અગત્યની અને માનવીય વાત બની જાય છે.
સામાન્ય મોતના કિસ્સામાં આપણે ચહેરો જોઈને જ મૃતકને ઓળખી જઈએ છીએ, પણ જ્યારે આવી રીતે બળીને મૃત્યુ થયું હોય ત્યારે આમ કરવું અશક્ય બની જાય છે.
આવે વખતે વ્યક્તિની ઓળખ કરવા માટે વિજ્ઞાનનો સહારો લેવામાં આવે છે.
વિજ્ઞાન કેવી રીતે આ કાર્યમાં મદદ કરે છે, તે ટૂંકમાં સમજીએ :
*છાપામાં એવું વાંચ્યું કે મૃતદેહની ઓળખ કરવા માટે ફોરેસિક લેબોરેટરીની મદદ લેવામાં આવશે. ડી.એન.એ.ની તપાસથી આ ઓળખ કરવામાં આવશે. આ ડી.એન.એ.ની તપાસ એટલે શું?*
આપણું શરીર હજારો કોષોનું બનેલું છે. આ દરેક કોષનાં કેન્દ્રમાં એક કોષકેન્દ્ર હોય છે. આ કોષકેન્દ્રમાં આપણાં રંગસૂત્રો હોય છે. આ રંગસૂત્રો જે રસાયણથી બને છે, તેને કહેવાય છે ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. એટલે કે, ટૂંકમાં ડી.એન.એ.
કોઈપણ વ્યક્તિનાં શરીરમાં માતા અને પિતામાંથી રંગસૂત્રો એટલે કે ડી.એન.એ. આવે છે. આનો અર્થ એ થયો કે જો બાળક અને માતા - પિતાનું ડી.એન.એ. સરખાવવામાં આવે તો માતા - પિતાનાં ડી.એન.એ. પરથી બાળકનું ડી.એન.એ. કયું છે તે ઓળખી શકાય છે.
બીજા શબ્દોમાં બાળકનો ચહેરો જોયા વગર જ નક્કી કરી શકાય છે કે તેનાં માતા - પિતા કોણ છે.
*પણ અકસ્માતની આગમાં તો બધું જ બળી જાય છે. આવે વખતે ડી.એન.એ.સેમ્પલ મળે કેવી રીતે ?*
તમારી વાત બિલકુલ સાચી છે. જો સંપૂર્ણ વિનાશ થયો હોય તો સેમ્પલ મળવું મુશ્કેલ બનશે, પણ સામાન્ય સંજોગોમાં નિષ્ણાતો હાડકાં, દાંત કે બચી ગયેલી માંસપેશીમાંથી ડી.એન.એ. ટેસ્ટ માટે સેમ્પલ મેળવી લે છે.
*સેમ્પલ મળી ગયા બાદ શું કરાય છે?*
ડી.એન.એ. સેમ્પલ મળી ગયા બાદ તેનું શુદ્ધીકરણ કરવામાં આવે છે. આ સાથે તેનાં સંભવિત માતા - પિતા કે ભાઈ -બહેનનાં સેમ્પલ પણ લેવામાં આવે છે.
આ બધાં સેમ્પલમાંથી ડી.એન.એ. મેળવીને પછી તેની સરખામણી કરવામાં આવે છે.
સરખામણી કરવાથી ક્યાં સેમ્પલ સાથે ક્યાં સગાં-સંબંધીનું સેમ્પલ મેચ થાય છે,તે ખબર પડે છે. આવી રીતે ફાઈનલ ઓળખ શક્ય બને છે.
*આ તો બહુ જટિલ પ્રક્રિયા હશે, નહીં?*
હા. આવી પ્રક્રિયા કરવામાં નિષ્ણાતોને સાતથી ૧૪ દિવસનો સમય લાગી જતો હોય છે. જો કેસ ઘણા વધારે હોય તો વધુ વાર પણ લાગી શકે છે.
*પણ શું ડી.એન.એ. ટેસ્ટિંગથી થતી ઓળખમાં ભૂલ ન થઈ શકે ?*
-આધુનિક વિજ્ઞાન અને ટેસ્ટની પદ્ધતિ એટલી સચોટ થઈ ચૂકી છે કે આ ટેસ્ટમાં ભૂલની શક્યતા માત્ર ૦.૦૧ ટકા જેટલી કે તેનાથી પણ ઓછી છે.
- જો કે, ડી.એન.એ.નો નમૂનો લેવામાં ભૂલ હોય, નમૂનામાં ભૂલથી કોઈ બીજાનું ડી.એન.એ. ભળી ગયું હોય તો ભૂલ થવાની શક્યતા ઊભી થાય છે.
- આ ભૂલ ડી.એન.એ. ટેસ્ટિંગને કારણે નહીં, પણ ઓફકોર્સ, માનવીય ભૂલ ને કારણે થાય છે.
*ક્યારેક ડી.એન.એ. સેમ્પલ ખૂબ ઓછાં પ્રમાણમાં મળે, તો શું થાય?*
ઓછાં પ્રમાણમાં મળતા ડી.એન.એ.ના જથ્થાને વધારવાની પ્રક્રિયા એટલે જ પી.સી.આર...! યાદ કરો, કોરોનાનો ટેસ્ટ.
અત્યારે પણ કોરોના માટે પી.સી.આર. પ્રક્રિયાથી થતો ટેસ્ટ જ વપરાય છે. પી.સી.આર. એ પોલીમરેઝ ચેઈન રિએકશનનું ટૂંકું છે. આ એક એવી રાસાયણિક પ્રક્રિયા છે, જેના દ્વારા ઓછાં પ્રમાણમાં મળેલા ડી.એન.એ.ના જથ્થાને વધારી શકાય છે.
જથ્થો વધે એટલે તેને અલગ અલગ ટેસ્ટમાં સહેલાઈથી વાપરી શકાય છે.
*જબરદસ્ત વિજ્ઞાન છે આ તો! અચ્છા, આ ડી.એન.એ. ટેસ્ટ સિવાય કોઈ બીજી રીત ખરી મૃતકની ઓળખ માટે ?*
હા, બીજી પણ રીતો છે. સાચું પૂછો તો મૃતકની ઓળખ માટે એક સાથે અનેક - રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી રીતોનો સરવાળો થાય એટલે ઓળખ ઘણી પાકી બને છે.
ઘણી વખત મૃતકના દાંતના એક્સ -રે મળી આવતા હોય છે. ભૂતકાળમાં જ્યારે કોઈ ડેન્ટલ પ્રોસીજર કરવામા કરવામાં આવી હોય ત્યારે આવો રેકોર્ડ ઊભો થાય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે જેમ દરેક વ્યક્તિની ફિંગર પ્રિન્ટ એકસરખી નથી હોતી, તેવી જ રીતે દાંતની ગોઠવણ પણ એક સરખી નથી હોતી. આ ઉપરાંત, કાળક્રમે દાંતમાં ધાતુ ભરી હોય, દાંત કઢાવ્યા હોય વગેરેના એક્સ–રે રેકોર્ડ પણ હોય છે.
શંકાસ્પદ મૃતકના આવા રેકોર્ડ સરખાવવામાં આવે છે. આવી રીતે તે વ્યક્તિ કોણ હતી તેની ઓળખ કરવામાં આવે છે.
_દાંતની મદદથી કાયદાકીય ગૂંચ ઉકેલવાનાં વિજ્ઞાનને ફોરેન્સિક ઓડોન્ટોલોજી કહેવાય છે._
*શું આવી જ રીતે ફિંગર પ્રિન્ટ કામ લાગી શકે?*
ચોક્કસ લાગી શકે. મૃતકની ફિંગર પ્રિન્ટને તેના આધારકાર્ડની ફિંગર પ્રિન્ટ કે અન્ય જગ્યાએ લેવાયેલી ફિંગર પ્રિન્ટ સાથે સરખાવી શકાય. જો કે, વિમાન અકસ્માતમાં સામાન્ય રીતે ખૂબ આગ લાગી હોય છે. આથી ચામડી જ બળી જતી હોય છે. આવે વખતે ફિંગર પ્રિન્ટ બચી જાય તેવું ભાગ્યે જોગે બને છે.
*જેમ દાંતના જૂના એક્સ - રે કામ લાગે, તેવી રીતે શરીરના અન્ય ભાગોના જૂના એક્સ-રે શું કામ લાગી શકે ?*
સરસ સમજ્યા તમે. શરીરના કોઈપણ ભાગના જૂના એક્સ - રે સરખામણી માટે કામ લાગી શકે. આ ત્યારે ખાસ ઉપયોગી થાય, જ્યારે મૃતકને ભૂતકાળમાં કોઈ ફ્રેક્ચર થયાં હોય, પ્લેટ બેસાડેલી હોય કે સાંધો બદલાવેલો હોય.
*ડોક્ટર, હવે વાત સમજાય છે. બળી ગયેલા મૃતકના ડી.એન.એ. ટેસ્ટ ઉપરાંત તેના જ બીજા મેડિકલ રેકોર્ડ હોય, તે મેળવીને તેની સરખામણી કરવામાં આવે છે, જેથી મૃતકની ઓળખ પાકી થાય, બરાબરને ? આ ઉપરાંત શું કંઈ કરવામાં આવે છે?*
આ ઉપરાંત, ઘણીવાર મૃતકનાં કપડાંનો ટુકડો અથવા તો મૃતકની આસપાસથી મળેલાં ઘરેણાં, પાસપોર્ટ, ઘડિયાળ વગેરે જેવી વસ્તુઓ મૃતકને ઓળખવામાં મદદરૂપ થાય છે.
આમ,મૃતકને ઓળખવાનું વિજ્ઞાન એક વિશિષ્ટ વિષય છે. ફોરેન્સિકના નિષ્ણાતો તેમની કાબેલિયતથી આ વિજ્ઞાન વાપરીને મૃતકોની ઓળખ કરી આપે છે.
*ડોક્ટર, ઘણીવાર અજાણી લાશ મળે, તો ? ઘણીવાર તો લાશ સ્ત્રીની છે કે પુરુષની, તે પણ ખબર પડે તેમ હોતું નથી. એવે વખતે ફોરેસિક વિજ્ઞાનના નિષ્ણાતો શું કરે છે ?*
- વિમાન અકસ્માતમાં તો મુસાફરોનું એક લિસ્ટ હોય છે, તે ઉપરાંત પણ ઘણા આનુષંગિક પુરાવાઓ મેળવી શકાય છે, પણ જ્યારે અજાણી, કહોવાયેલી કે કટકા કરેલી લાશ મળે છે, ત્યારે ફોરેન્સિક ડોક્ટરની સાચી કસોટી થઈ જાય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આજનું ફોરેન્સિક વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે એક હાડકું મળે તો પણ તેના પર વિવિધ પરીક્ષણ કરીને નિષ્ણાતો એ કહી શકે છે કે તે હાડકું મનુષ્યનું છે કે નહીં, તે સ્ત્રીનું છે કે પુરુષનું, તેની ઉંમર કેટલી રહી હશે, તેનાં મોતને આશરે કેટલો સમય થયો હશે… આ બધી માહિતીથી કેસની તપાસ કરતી ટીમને ખૂબ મહત્ત્વની વિગતો હાથ લાગે છે અને તેઓ આરોપી સુધી પહોંચી શકે છે.
*અમે એવું સાંભળ્યું છે કે કોઈ ટચ ડી.એન.એ. નામનો ટેસ્ટ પણ થાય છે. એ શું છે વળી ?*
ટચ ડી.એન.એ. એ ડી.એન.એ. ટેસ્ટિંગની ખાસ રીત છે. આ ટેકનિકમાં ગુનાનાં સ્થળેથી પરસેવો કે મૃત ત્વચા જેવા નાના નમૂનાઓ લેવામાં આવે છે. આવા નમૂનાઓમાંથી પણ ડી.એન.એ. તારવી લેવાય છે.
ગુજરાતમાં ગાંધીનગરની ફોરેન્સિક લેબમાં આવા ટેસ્ટ કરવાની વ્યવસ્થા છે.
ઘણીવાર ગુનેગાર ગુનાનાં સ્થળે પોતાની ફિંગર પ્રિન્ટ પણ છોડતો નથી. આવે વખતે તેનો પરસેવો, વાળ કે નખની મદદથી પણ ટચ ડી.એન.એ. ટેસ્ટ થઈ શકે છે.
ગુજરાતમાં ટચ ડી.એન.એ. ટેસ્ટિંગની મદદથી પોલીસને ઘણા કેસ ઉકેલવામાં મદદ મળી છે.
*અચ્છા ડોક્ટર, ફોરેસિક નિષ્ણાત બનવું હોય તો શું કરવું પડે છે ?*
એ માટે સૌ પ્રથમ તો એમ.બી.બી.એસ. કરવું પડે છે. અન્ડર ગ્રેજ્યુએટ લેવલે સેકન્ડ એમ.બી.બી.એસ.માં ફોરેન્સિક મેડિસીન શીખવવામાં આવે છે. આ કારણે દરેક એમ.બી.બી.એસ. ડોક્ટર પોસ્ટમોર્ટમ કરવા સક્ષમ બને છે.
જેમ મેડિસીન, સર્જરી, ગાયનેકોલોજી જેવી બ્રાન્ચમાં પોસ્ટ ગ્રેજ્યુએશન થાય છે, તેવી જ રીતે એમ.બી.બી.એસ. બાદ ફોરેન્સિક મેડિસીનમાં પણ પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે એમ.ડી. થઈ શકાય છે.
આ ઉપરાંત, અમુક યુનિવર્સિટીમાં બી.એસસી. પણ ફોરેન્સિક સાયન્સના વિષય સાથે થઈ શકાય છે.
_તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં વિશ્વની સર્વપ્રથમ એવી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે. ભારતની તે એકમાત્ર એવી સંસ્થા છે કે જ્યાં માત્ર ફોરેન્સિક સાયન્સ જ ભણાવવામાં આવે છે_.
અહીં બી.એસસી. + એમ.એસસી. એમ પાંચ વર્ષનો ઈન્ટિગ્રેટેડ કોર્સ કરાવવામાં આવે છે.
અહીં પ્રવેશ લેવા માટે ૧૨ સાયન્સમાં ઓછાંમાં ઓછા ૬૦ ટકા ગુણ હોવા જરૂરી છે. જો તમે પછાત વર્ગમાંથી આવો છો, તો ૫૦ ટકા ગુણ જરૂરી છે. અહીં પણ પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષાને “નેશનલ ફોરેન્સિક એડમિશન ટેસ્ટ' કહેવાય છે.
આ ઉપરાંત, ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી અને ભાવનગરની જ્ઞાનમંજરી યુનિવર્સિટી પણ ફોરેન્સિક સાયન્સમાં બી.એસસી. તેમજ આગળના અભ્યાસો કરાવે છે.
*ટેક કેર* : ગયેલા પાછા આવવાના નથી, પણ તેમની યોગ્ય ઓળખથી પરિવારને સાંત્વન મળવામાં મદદ મળે છે. આ ઉપરાંત, સરકારી પ્રક્રિયાઓ અને મદદમાં પણ તે કામ લાગે છે.
🌸🌸🌸