13/04/2021
*નાના બાળકોમાં થતા કોવિડ-૧૯ રોગના મા-બાપને મુંઝવતા પ્રશ્નો અને ઉત્તરો*
*૧. શું કોરોના નું ઈન્ફેક્શન બાળકોને થઈ શકે છે?*
હા. ગયા વર્ષના કોરોના પાન્ડેમિકના પ્રથમ વેવની સરખામણીમાં આ વર્ષના બીજા વેવમાં બાળકોમાં સંક્રમણનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. તાજા જન્મેલા શિશુથી લઈને મોટા બાળકો સુધી બધામાં કોરાનાનું ઈન્ફેકશન થઈ શકે છે. મોટા ભાગના બાળકો સારા થઈ જાય છે, છતાં ઘણા બાળકોમાં ગંભીર લક્ષણો પણ જોવા મળ્યાં છે.
*૨. બાળકોને કોરોનાનો ચેપ ક્યાંથી લાગી શકે છે ?*
ઘરમાં કોઈ એક વ્યક્તિ પણ કોરોનાથી સંક્રમિત થયો હોય તો એ ઘરમા અન્ય સભ્યોને સંક્રમિત કરી શકે છે.
બાળકોને મોટો ભાગે ઘરમાંથી બહાર નોકરી-ધંધાર્થે આવ-જા કરતાં વ્યક્તિ ધ્વારા કોરોનાનું સંક્રમણ લાગે છે. આવા વ્યક્તિને પોતાને ઘણી વખત કોરોનાનાં લક્ષણો ના હોય એવું પણ બને.
આ ઉપરાંત બાળકોને મહોલ્લામાં સાથે રમતા અન્ય બાળકો ધ્વારા અથવા અન્ય કોઈ ભીડવાળી જગ્યાએથી અજાણ્યા વ્યક્તિ ધ્વારા પણ સંક્રમણ થઈ શકે છે.
*૩. નાના બાળકોમાં કોરોના નાં શું લક્ષણો જોવા મળે છે?*
તાવ, ગળું દુખવું, માથું દુખવું, શરીરનો દુખાવો, શરદી-ખાંસી, ઉલ્ટી, ઝાડા, પેટનો દુખાવો વગેરે નાના બાળકોના કોરાનાનાં શરુઆતનાં લક્ષણો છે. સંક્રમણ વધારે ફેલાતા ગંભીર લક્ષણો પણ જોવા મળે છે જેમ કે, ખૂબ અશક્તિ લાગવી, ખોરાક બંધ થઈ જવો, ખૂબ ખાંસી આવવી, શ્વાંસમાં તકલીફ પડવી વગેરે.
*૪. બાળકોમાં કોરોના જાણવા માટે કયો રીપોર્ટ કરવામાં આવે છે ?*
કોઈ પણ પુખ્ત વ્યક્તિની જેમ જ બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ જાણવા માટે નાંકમાંથી સેમ્પલ લઈને કોવિડ રેપીડ એન્ટિજન ટેસ્ટ અથવા કોવિડ RTPCR કરવામાં આવે છે. કોવિડ RTPCR વધુ ભરોસેમંદ ટેસ્ટ છે પરંતુ તેનો રીપોર્ટ આવતા ૨૪ થી ૪૮ કલાક થઈ જાય છે, જ્યારે રેપીડ એન્ટિજન ટેસ્ટનો રીપોર્ટ ૧૦-૧૫ મીનીટમાં આવી જાય છે. શરુઆતમાં કરાવેલો રેપીડ એન્ટિજન ટેસ્ટનો રીપોર્ટ નેગેટીવ આવે તો પણ ડોક્ટરને બાળકમાં કોરોના ઈન્ફેક્શનની શંકા હોય તો RTPCR ટેસ્ટ કરાવી શકાય.
સામાન્ય લક્ષણો ધરાવતા બાળકોમાં આનાથી વિશેષ અન્ય કોઈ પણ રીપોર્ટની જરુર હોતી નથી. ગંભીર લક્ષણો ઘરાવતા બાળકોમાં સારવાર માટે જરુરી એવા અન્ય રીપોર્ટ જેવા કે CBC, CRP, LFT, D- Dimer, S. Ferritin વગેરે રીપોર્ટ કરાવવામાં આવે છે.
*૫. બાળકમાં કોરોના રીપોર્ટ ક્યારે કરાવવો જોઈએ?*
ઘરમાં કોઈ પણ વ્યક્તિને કોરોનાનું સંક્રમણ થાય તો એ ઘરનાં દરેક સભ્યોએ કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ, નાના બાળકોએ પણ.
હાલનાં સંજોગોમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ફેલાયું હોવાથી કોઈ પણ બાળકને તાવ, શરદી-ખાંસી કે માથાનો દુખાવો જેવા લક્ષણો દેખાય તો કોરોનાનો રીપોર્ટ કરાવવો જોઈએ (ઘરમાં અન્ય કોઈ બિમાર ન હોય તો પણ).
*૬. મારા બાળકના કોરોના RTPCR રીપોર્ટમાં Ct વેલ્યુ લખેલી છે જે ખૂબ ઓછી છે અને નોટ્સમાં લખ્યું છે કે Ct વેલ્યું ઓછી એટલે ઈન્ફેક્શનનું પ્રમાણ વધારે. શું આ ગંભીર બાબત છે ?*
ના. બાળકના કોરોના RTPCR રીપોર્ટમા Ct વેલ્યુનું ખાસ મહત્વ નથી. સારવાર બાળકનાં લક્ષણો મુજબ કરવામાં આવે છે. Ct વેલ્યુ પરથી રોગની ગંભીરતાનો કોઈ અંદાજ લગાવી શકાતો નથી.
*૭. નાના બાળકોમાં છાતીનો સીટી સ્કેન કરાવી શકાય ?*
મોટા ભાગના બાળકોમાં કોરોના થાય તો પણ તેના લક્ષણો ખૂબ સામાન્ય હોય છે. બાળકોમાં કોરોના એટલો ઝડપથી ફેફસામાં ફેલાતો નથી. જેથી શરુઆતી લક્ષણો ધરાવતા બાળકોમા છાતીનો CT Scan કરવાની જરુર હોતી નથી, પરંતુ ખૂબ ખાંસી આવતી હોય, છાતીમાં દુખાવો થાય, શ્વાસમાં તકલીફ પડે તો CT Scan કરવાની જરુર પડી શકે.
*૮. બાળકને કોરોના થાય તો શું સારવાર કરવામાં આવે છે ?*
મોટા ભાગના સામાન્ય લક્ષણો ધરાવતા બાળકોમા કોરાના કોઈ ચોક્ક્સ દવા વગર, જરુર પુરતી તાવની કે ખાંસીની દવા આપવાથી જ સારો થઈ જાય છે.
ગંભીર લક્ષણો ધરાવતા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરીને Remdesivir ના ઇંજેક્શન આપવામા આવે છે.
પુખ્ત વયના દર્દીમા વપરાતી દવાઓ જેવી કે Fevioaravir, Ivermectin, Doxycyclin, વગેરે બાળકોમાં વાપરવામાં આવતી નથી.
*૯. કોરોનાનું સંક્રમણ ધરાવતું બાળક ઘરે હોય તો શું ધ્યાન રાખવું ?*
ડોક્ટરની સલાહ મુજબની દવાઓ આપવી, ખૂબ પાણી પીવડાવવું, ઘરે જ બનાવેલો તાજો સંતુલિત ખોરાક આપવો, બહારનો ઠંડો અને વાંસી ખોરાક આપવો નહી, હુંફાળું પાણી પીવડાવવું અને શક્ય હોય તો મોટા બાળકોને સવાર-સાંજ બાફ આપવો.
*૧૦. નાનું બાળક કોરોનાથી સંક્રમિત થયું હોય તો એને ૧૪ દિવસ આયસોલેટ કઈ રીતે કરવું? તે એકલું કઈ રીતે રહી શકે ?*
નાના બાળકોને કોરોનાનું સંક્રમણ મોટે ભાગે ઘરનાં કોઈ મોટા વ્યક્તિમાંથી જ લાગ્યું હોય છે, જે વ્યક્તિ ઘણી વાર પોતે લક્ષણો ધરાવતો ન પણ હોય શકે. એટલે કોરોના સંક્રમિત બાળકને મા-બાપની સાથે જ રાખવાનું હોય છે.
પરંતુ ઘરના ૫૦ વર્ષથી વધુ ઉંમરના વડીલને અથવા કોમોર્બિડીટી વાળા ( અન્ય બિમારી વાળા) વ્યક્તિને સંક્રમિત બાળકથી અલગ રાખવા જરુરી છે.
*૧૧. અમારા ઘરમાં દરેક મોટા વ્યક્તિ કોરોના પોઝીટીવ છે, માત્ર બાળકનો રીપોર્ટ નેગેટીવ છે અને એને કોઈ લક્ષણો પણ નથી. તો શું અમારે આ બાળકને અમારાથી અલગ બીજા ઘરે મોકલી દેવો જોઈએ ?*
બિલકુલ નહી.
આવું બાળક, રીપોર્ટ નેગેટીવ હોવા છતાં કોરોનાથી સંક્રમિત હોય શકે છે. આવું બાળક બીજાના ઘરમાં પણ સંક્રમણ ફેલાવશે. માટે, આવા કિસ્સામાં બાળકને પોતાના ઘરે જ રાખો.
*૧૨. મારી પત્નિને હાલમાં જ ડીલીવરી થઈ છે અને હવે કોરોના પોઝીટીવ આવ્યો છે. શું એ બાળકને ધાવણ આપી શકે ? શું બાળકને માતાથી અલગ રાખવું જોઈએ? શું બાળકનો કોરોના રીપોર્ટ કરાવવો જોઈએ?*
મોટે ભાગે તો આવું બાળક કોરોનાથી સંક્રમિત થઈ જ ગયું હોય છે. રીપોર્ટ કરાવી શકાય પરંતુ જરુરી નથી. જ્યાં સુધી બાળકમાં કોઈ ગંભીર લક્ષણો ન દેખાય ત્યાં સુધી કોઈ સારવારની પણ જરુર નથી. બાળકને માતાનું ધાવણ ચાલુ રાખવું. કોરોના પોઝીટીવ માતા મોઢાં ઉપર માસ્ક પહેરીને બાળકને ચોક્ક્સ ઘાવણ આપી જ શકે છે.
*૧3. નાના બાળકો માટેના કોરોનાથી બચવાના ઉપાયો જણાવશો?*
ઘરમાંથી કામકાજ માટે બહાર જતાં વ્યક્તિ એ ખાસ ધ્યાન રાખવું કે પોતે અજાણતામાં ઈંફેક્શન ઘરે લઈ ને નથી આવતા ને. તે માટે જાહેર જગ્યાઓ પર હંમેશા સોશિયલ ડીસ્ટંસીંગ જાળવવું, નાંક અને મોઢું બંને ઢંકાય એ રીતે ટ્રિપલ લેયર માસ્ક પહેરવાનો આગ્રહ રાખવો અને વારંવાર હેન્ડ સેનિટાઈઝર નો ઉપયોગ કરવો.
ઘરમાં પ્રવેશો ત્યારે તરત બાળક પાસે ન જતાં પહેલા સ્નાન કરી, પોતાના પહેરેલાં કપડા બદલી ને પછી જ બાળકની નજીક જવું.
ઘરમાં કોઈ ને પણ શરુંઆત નાં લક્ષણો દેખાય કે તરત ડોક્ટરની સલાહ લઈને એમનો રીપોર્ટ કરાવો. વારંવાર રીપોર્ટ કરવો પડે તો પણ અચકાવું નહી.
૪૫ વર્ષ કે તેથી વધુ ઉંમર ના દરેક વ્યક્તિ એ કોરોનાની રસી અવશ્ય મુકાવવી.
*૧૪. શું કોરોનાની રસી બાળકો ને આપી શકાય?*
હાલમાં ભારતમાં અપાતી કોરોનાની રસી ૧૮ વર્ષ થી નાની ઉંમરના બાળકો ને આપી શકાતી નથી.