03/06/2021
કોરોના: ત્રીજી લહેર અને બાળકો-2
સમાચાર અને સોશિયલ મીડિયા પર કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો ઉપર વધારે જોખમ છે તેવા અહેવાલોથી સૌને ચિંતા થાય તે સ્વાભાવિક છે. તો તેના ઉપર મારા અનુભવને આધારે મારા વિચારો રજુ કરું છું. જે માહિતી આપ સૌને ખબર જ હશે તેનું પુનરાવર્તન કરવાનું ટાળ્યું છે.
બાળકને કોરોના થાય તો શું કરવું અને શું ન કરવું?
1. કોરોના ના પ્રારંભિક લક્ષણો તો હવે બધાને ખબર જ છે. જો બાળકમાં તાવ, ઉધરસ, નબળાઈ, ભૂખ ન લાગવી, માથાનો/ગળાનો દુખાવો વગેરે જણાય તો બાળકોના ડોક્ટરની સલાહ લેવી. ઘરમાં કોઈ વ્યક્તિને નજીકના સમયમાં કોરોના થયો હોય તો તે વાત ડોક્ટરથી છુપાવવી નહીં.
2. એક વસ્તુ સ્વીકારવી કે, કોઈપણ ઉંમરના બાળકને કોરોના થઈ શકે છે. આથી જો ડોક્ટર કહે કે કોરોના ટેસ્ટિંગ કરવાની જરૂર છે તો... મારું બાળક છ મહિનાનું જ છે તેને કોરોના ન થઈ શકે, મારો છોકરો તો ઘરની બહાર ગયો જ નથી તો તેને કોરોના ન લાગી શકે, સાહેબ તાવ એટલો બધો તો નથી એટલે કોરોના જેવું લાગતું નથી, અત્યારે દવા આપી દો તાવ નહીં મટે તો રિપોર્ટ કરાવી દઈશું, લોહીના રિપોર્ટ કરાવવા હોય તો કરાવી લો પણ કોરોના રિપોર્ટ નથી કરાવવો, અમે તો ગામડે રહીએ છીએ અને અમારા ગામમાં કોઈ કોરોના નો કેસ નથી વગેરે જેવા બહાના ન કાઢવા.
3. કોરોના સાદી વાયરસ ની બીમારી છે અને તેમાં શરૂઆતમાં બહુ વધારે દવાની જરૂર હોતી નથી. તમારા બાળકોના ડોક્ટર એ આપેલી દવા શરૂ કરો, બાળકને આરામ કરાવવો અને બાળકનું મોનિટરિંગ કરતા રહો. કદાચ એક-બે દિવસ તાવ રહે, તો પણ બીજા ડોક્ટરને કે બહારગામ ડોક્ટરને બતાવવા ઉતાવળે જવાની જરૂર નથી.
4. Fabiflu કે doxycycline જેવી દવાઓ બાળકોમાં અમુક ઉંમર પહેલા વાપરવાની હોતી નથી, તો જાતે શરૂ કરી દેવી નહીં.
5. કદાચ શરૂઆતમાં બાળકને તાવ વધારે હોય, જમી ન શકતું હોય અથવા ઉલ્ટી વધુ હોય તો દાખલ કરવાની જરૂર પડી શકે છે. તે માટે તમારા બાળકોના ડોક્ટરની હોસ્પિટલ માં જ દાખલ કરીને સારવાર કરી શકાય છે. બાળકોની હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફને ઇન્જેકશનના ડોઝની ગણતરી અને નાના બાળકોને બાટલા ચઢાવવાની ફાવટ હોય છે.
6. બહુ ઓછા બાળકોને ઓક્સિજનની અને વેન્ટિલેટરની જરૂર પડે છે, માટે તેની વધારે પડતી ચિંતા કરવી નહીં.
7. મ્યુકોરમાયકોસિસ ના વધુ પડતા સમાચાર વાંચીને મારા બાળકને કોરોના પછી તે થઇ જશે તેવી ખોટી ચિંતા કરવી નહીં.
8. બાળકોને ઉકાળા અથવા ગરમ વરાળનો નાસ સલાહભર્યો નથી.
ઉપરોક્ત માહિતી સિવાય આપના મનમાં બાળકોમાં થતા કોરોના વિશે કોઇ મૂંઝવણ હોય તો આપના બાળકોના ડોક્ટરનો ફોન દ્વારા અથવા રૂબરૂ સંપર્ક કરી શકાય. યાદ રાખો, કોરોનાની ત્રીજી લહેરમાં ગભરાવાનું નથી પરંતુ સાવચેતી રાખવાની છે.
ડૉ. ભાવેશ પરમાર,
ધ્રુવ બાળકોની હોસ્પિટલ, બાયપાસ રોડ, મોરબી.