23/08/2017
આજના યુગ માં આયુર્વેદ શા માટે ?
શરીર ને પીડતા રોગો માં તાજેતરમાં એક નવુ રોગ નું ગૃપ બહુ ચર્ચામાં છે, નોન કોમ્યુનીકેબલ ડીસીઝ (બીન ચેપી રોગો)..
એબોલા (ebola),સ્વાઈન ફ્લુ ના હાઉ વચ્ચે જીવતા લોકોને બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, હ્દય રોગો, કેન્સર, શ્વાસ જેવી તકલીફો કોઇ બહુ મોટી મુશ્કેલીરૂપ દેખાતી નથી. પણ ડૉક્ટરો અને WHO જેવી સંસ્થાઓ માટે આ બધા રોગો આજે ભયંકર ચેતવણી આપનારા દેખાવા લાગ્યા છે.
આવા તમામ રોગો જેમકે ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, કેન્સર વિગેરે, જે ચેપી નથી, એટલે કે સંપર્ક કે સંસર્ગ થી ફેલાતા નથી છતાં ખૂબ ખૂબ મોટા પ્રમાણમાં દુનિયાની વસ્તી ને અસરકર્તા બન્યા છે, તેના માટે જાગવાની જરૂર ઉભી થઇ છે.
આ રોગો ના કારણે મૃત્યુ પામનાર લોકો ની સંખ્યા લગભગ 36 મીલીયન પ્રતિ વર્ષ જેવી છે, અને આ સંખ્યામાં વધારો જ થતો જાય છે, એમાં પણ હૃદય રોગો એ મૃત્યુ નુ મુખ્ય કારણ છે. આ આંકડા ચોંકાવનારા છે, ચિંતા ઉપજાવનારા છે. જો આનાથી બચવુ હોય તો શું ?
આ શું? નો જવાબ આયુર્વેદ બહુ સારી રીતે આપી શકે છે. આ રોગો થવાનુ કારણ અનિયમિત અને અવ્યવસ્થિત ઢંગે લેવાતો ખોરાક, અનિયમિત જીવનશૈલી, માનસિક કારણો, ઓછો શારિરીક શ્રમ, વધતા જતા વ્યસનો વિગેરે છે. જો આ બાબતો નુ ધ્યાન રાખવામાં આવે અને "વિવેક પૂર્વક" જીવન જીવીએ તો આ એક પણ રોગ ના થાય. (વિવેક પૂર્વક જીવતા શીખવાડે એ આયુર્વેદ)
અને ધારોકે આ રોગ એ તમને પકડી લીધા છે તો પછી શું ?
રોજ રોજ લેવાની દવાઓ થી આ બધા રોગો કાબૂ માં રહે છે.. મટતા નથી... આયુર્વેદ માં આવા રોગો માટે એક શબ્દ છે - "યાપ્ય" . યાપ્ય એટલે કે જ્યાં સુધી દવાઓ લો, ત્યાં સુધી રોગ ના લક્ષણો ન દેખાય પણ જેવી દવાઓ છોડી દો તો ફરી રોગ દેખાય, આ બધા રોગો યાપ્ય કહી શકાય.
આવી સ્થિતિ માં આપની નિયમિત દવાઓ ફરજિયાત લેવાની જ રહેશે, પણ રોગ ને વધુ આગળ વધતો અટકાવવા જરૂરી પરેજી અને તમારી જીવન પદ્ધતિ માં ફેરફાર કરવો જરૂરી છે. અને આ વાત ને આયુર્વેદ સિવાય કોઇ વ્યવસ્થિત રીતે સમજાવી શકશે નહી. જે વિજ્ઞાન શરીર જેટલુ જ મહત્વ મન અને આત્મા ને પણ આપતુ હોય તેની પાસે ચોક્કસ આનો જવાબ હોય જ.
યાદ રાખો - આયુર્વેદ તમારી જિંદગી માં વર્ષો ઉમેરે છે, સાથે સાથે વર્ષો (બાકી રહેલા) માં જિંદગી પણ ઉમેરે છે...