19/02/2020
વિરુદ્ધ આહાર એટલે શું?
હાલના સમયમાં બધાને માહીતી જોઇએ છે પણ અમલમાં નથી મૂકવું એટલે ભાષણો ભાષણો જ રહે છે. હવે ભાષણ આપવાના બંધ કર્યા છે.
આહાર અને વિરુદ્ધ આહાર. જૈન શાસ્ત્ર અને કુદરતી ઉપચારમાં બહુ ઝીણવટથી એની છણાવટ કરી છે. કુદરતી ઉપચારમાં આહાર એ ઉપચારનો એક પ્રકાર છે. જૈનમાં આહારને જીવનશૈલીમાં વણી લીધેલ છે.
ખોરાકનો પ્રકાર, કાળ ( દિવસ અને ઋતુ) , કેટલું પ્રમાણ અને સંયોજન અનુસાર આપનો આહાર સ્વાસ્થ્યકર અથવા વિપત્તિકર બને છે.
જૈનમાં સુક્ષ્મ અહિંસાના લેવલે વૈજ્ઞાનિક અભિગમ સાથે આહારનું વિશ્લેષણ કરેલ છે. જેને એક પોસ્ટમાં બધુ વર્ણવું અઘરું છે.
છતાંય બહુ ઉપરછલ્લું કહેવાનો પ્રયત્ન કરુ.
તમે જે જગ્યાએ રહો છો ત્યાંના હવા, પાણી, માટી, કુદરતી પેદાશ પ્રકૃતિએ તમારા પાચનતંત્ર ને અનુરૂપ પેદા કર્યા છે. માટે એ જમીનમાં જે પેદા થાય છે એ તમારા માટે જ છે. એને વાપરો. જે તમારા હિતમાં રહેશે.
એક સાદું ઉદાહરણ: ગુજરાતની ધરતીમાં શીંગફળી અને તલ ઊગે છે. તો એનું તેલ આપણા માટે છે. નારિયેળ, સરસવ કે ઓલીવ આપણા વાતાવરણમાં નથી પાકતા. તો એ આપણા શરીરને અનુરૂપ નથી.
હવેના ન્યુટ્રીશીયન સ્વીકારે છે કે શીંગ અને બદામના સરખા ન્યુટ્રીશન વેલ્યુ છે. ઓલીવ,બદામ, સફરજન..ઉપરાંત અઢળક ખાદ્યપદાર્થ... વિદેશી સફળ માર્કેટીંગના પરિણામ છે.
બીજા પ્રાણીનું દૂધ કોઇ પણ પ્રાણી માટે વર્જીત છે. છતાંય આપણા ગ્રંથોમાં ખૂંધવાળી દેશી ગાયના દૂધનો બહુ સ્પષ્ટતા અને પ્રમાણભાન સાથેનો વપરાશ (ઉપયોગ) કહ્યો છે.
ભાજી અને શાક. આ મુદ્દાને થોડા વિસ્તારમાં સમજીએ. ઋતુ અનુસાર ઊગતા ભાજી અને શાક વાપરો. ચોમાસામાં ભાજીઓ સદંતર બંધ.
નેચરોપથીમાં શાકભાજીના પાંચ અને ફળના ચાર પ્રકાર બતાડ્યા છે. એમાં શાકભાજીના પ્રકાર સમજીએ.
1. ભાજીઓ. તમામ લીલા પાનવાળી ભાજી.
2. પાણીવાળા શાક. દૂધી, કોળું, તૂરિયા, ગલકા, કાકડી, ટીંડોળા, ટીંણસા વગેરે.
3. બીયાવાળા શાક. ભીંડા,કારેલા, કંકોળા, પરવળ, ટમેટાં,રીંગણા વગેરે.
4. દાણાવાળા શાક. વટાણા, તુવેરા,ફણસી, પાપડી,વાલોળ, ચોળી વગેરે.
5. કંદમૂળ. જમીનની અંદર ઊગતા શાક. આદુ, હળદર, બટાકા, કાંદા, લસણ, ગાજર,બીટ,આળુ,શક્કરીયા વગેરે.
આમાં ભાજી અને શાકને ચડતાથી ઉતરતા ક્રમમાં પચવામાં હલકાથી ભારે ગણવા.
જૈનમાં કંદમૂળનો નિષેધ છે. સામાન્ય લીલોતરી સૂર્યપ્રકાશમાં પલેફૂલે છે. જમીનમાં સૂર્યપ્રકાશ જતો નથી. જ્યાં સૂર્યપ્રકાશ નથી ત્યાં અસંખ્ય જીવોત્પતિની હાજરી હોય. બીજું કે જમીનની અંદર મૂળ કે ગાંઠમાં એ છોડ-ઝાડના પ્રાણ રહેલા છે. આ જીવહત્યા નિવારવા જૈનમાં કંદમૂળ વર્જીત છે. એની સામે ગ્રંથોમાં ઋષિમુનીઓ ફક્ત દૂધ અને કંદમૂળ વાપરીને તપશ્ચર્યા કરતાનો ઉલ્લેખ છે.
શાકભાજીની આ ઉપરછલ્લી માહીતી છે.
હાલ વિદેશમાં વિગનનો પ્રચાર ચાલે છે. માંસાહાર, ઇંડા, માછલી અને દૂધ કે દૂધની બનાવટો વગરનો આહાર એટલે વિગન. ચુસ્ત જૈન દૂધ પણ નહી વાપરે.
ગ્રંથોમાં સ્પષ્ટ આદેશ છે કે ફળો પક્ષીઓ, ઝાડ પર રહેતા પ્રાણીઓ અને એના પર નભતા જીવજંતુઓ માટે છે. મનુષ્ય માટે ફળ માંદાઓ માટે ગ્લુકોઝની જગ્યાએ આપવાનું કહ્યું છે. અથવા સૂકા થઇ જાય( ડ્રાય ફ્રુટ )ત્યારે વાપરો. શ્રીફળ-નારીયેળ.આમાં અપવાદ છે. નારીયેળને કોઇ પણ સ્વરુપે વાપરો. એ તમારા માટે શ્રીકારી છે.
નેચરોપથીમાં ફળ માટે વિસ્તારમાં વિપુલ માહિતી છે.
1. ખાટા ફળ. લાઇમ ફેમીલી, બેરીઝ ફેમીલી,દ્રાક્ષ......
2. રસવાળા મીઠા ફળ. શેરડી,લીલું નારિયેળ,દાડમ......
3. રસવાળા મીઠા પલ્પી ફળ.
ટેટી, તડબૂચ, જાંબુ, પપૈયું......
4. પલ્પી ફળ. કેળા,સીતાફળ,ચીકુ,
સાખ પડેલી કેરી....
5. ડ્રાય ફ્રુટ.:-
* બીયાવાળા ફળ ખજુર,ખારેક,જરદાલુ, અંજીર....(આલ્કલાઇન ફ્રુટ)
* કોચલાવાળા ફળ કાજુ,બદામ,અખરોટ,શીંગ,પીસ્તા....(એસિડીક ફ્રુટ)
ફળનેે ઉપરથી નીચેના ક્રમમાં લેવા. સૂર્યોદયથી સૂર્યાસ્ત દરમ્યાન વાપરવા.
૨,૩,૪ નં.ના ફળને કોઇ સાથે ભેળવવા નહીં. સ્વતંત્ર લેવા. એ તમામમાં એક કલાક પહેલા ને પછી કંઇ ના લેવું.
મુસ્લિમ સમુદાય રમજાનમાં રાત્રી દરમ્યાન ખજૂરથી રોજા ખોલે છે. એનુ કારણ બીયાવાળા સૂકા ફળ સંપુર્ણ આલ્કલાઇન (સેંદ્રીય) છે.
ધાન-અનાજ. મોટું દળેલું અનાજ વાપરો. અનાજને બારીક દળવા જતા ઘંટીમાં ઉત્પન્ન થતી ગરમીમાં ધાનના સત્વ બળી જાય છે. ઉપરાંત જેટલું સાફ(પોલીશ) કરેલું ધાન એટલા એ કેમીકલયુક્ત અને ઓછા ન્યુટ્રીશીયન વેલ્યુ.
કઠોળ. બને ત્યાં સુધી છાલ સાથે દળીને વાપરો.
યાદ રાખો કે કોઇ પણ કઠોળને દૂધ કે દૂધની બનાવટ સાથે ભેગા ના કરો.
દૂધ અને ફળ ભેગા ના કરો. આનાથી શરીરની બહાર અને અંદર ત્વચાસંબંધી અનેક રોગ થાય છે. કબજિયાતના અનેક રોગોનું કારણ. ઉપરની આહારશૈલીને અનુસરો. બાકી આની બહારનું જે ખાનપાન. તે બધુ વિરુદ્ધ આહાર.
ટુંકમાં દાદી કે નાની( ૯૦ વરસથી ઊપરના ) ની આહારશૈલી યાદ કરી લ્યો. એને વળગી રહો તો સારું. બાકી એવાય છે કે જે માને છે કે ડોક્ટર ને દવાઓ શા કામના? આપણા માટે જ તો છે!