10/10/2022
ડો.પરેશ શાહ
માનસિક આરોગ્ય નિષ્ણાંત
*શું તમારી કાર્યક્ષમતા વધારવી છે? તો જરૂર વાંચો:*
અત્યારના તણાવપૂર્ણ યુગમાં સારું માનસિક સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જ જરૂરી છે.આપઘાતના બનાવો દિવસે-દિવસે વધતાં જાય છે.આમાથી તો જ છૂટી શકાય જો માણસ નું માનસિક આરોગ્ય સારું હોય.
*તંદુરસ્ત જીવન શૈલી*
નિયમિત 30 થી 45 મિનિટ કસરત અઠવાડિયામાં 4 થી 5 વખત કરવી જોઈએ.તંદુરસ્ત ખોરાક કે જેમાંખાંડનું અને કેફીન(ચા,કોફી,કોલા,વિ)નું પ્રમાણ ઓછું હોય તે જોવું જોઈએ. સમતોલ આહાર જરુરી છે.આલ્કોહોલ(દારુ),સિગારેટ,તમાકુ અન્ય નશાકારક દવાઓ નું વ્યસન છોડવું જોઈએ.
પૂરતી ઊંઘ લેવી જોઈએ.ઓછી ઊંઘ લેવા થી શરીર-મન બંનેને નુકશાન થાય છે અને મનોશારીરક બીમારી જેવી કે બ્લડ પ્રેસર,ટેન્શન હેડએક(માથાનો દુખાવો) અલ્સરેટિવ કોલાઇટીસ,દમ વિ. થાય છે અથવા વધી જાય છે.
*નકારાત્મક લાગણીઓ થી દૂર રહો*
ગુસ્સો,ઈર્ષા,બીક,ભય,ચિંતા,દુશ્મનાવટ,નિરાશા વિ,નકારાત્મક લાગણીઓ આપણાં શરીરની એન્ડોક્રાઇન સિસ્ટમ પર અસર કરે છે અને તેના દ્વારા અમુક ઝેરી પદાર્થો ના સ્ત્રાવ થાય છે.જે મનોશરીરીક બીમારી માટે જવાબદાર છે.આવી લાગણીઓ ને સારી રીતે કંટ્રોલ કરતાં શીખવાથી વ્યક્તિ તંદુરસ્ત રહી શકે છે.એજ રીતે હકારાત્મક લાગણીઓ જેવી કે આનંદ,મિત્રતા,ઉદારતા,લોકો ને માફ કરવાનું વલણ વિ.આપણી કાર્યક્ષમતા વધારે છે.તેના થી સફળતા મળે છે અને આત્મવિશ્વાસ વધે છે.હકારાત્મક લાગણીઓ દ્વારા વારંવાર ના પ્રયત્નો પછી નકારાત્મક લાગણીઓ આપણે દૂર કરી
શકીએ છીએ.
*ધ્યેય નક્કી કરો:-*
એવું કહેવાય છે કે આ દુનિયામાં આવવા માટે દરેક માણસ ને કંઈક હેતુ હોય છે.તમારે શું બનવું છે?
શું કરવું છે?સામાજિક,આર્થિક,ભૌતિક અને આધ્યત્મિક એમ દરેક પ્રકાર ના ધ્યેય નક્કી કરી શકાય તેના પગથિયાં અને આશરે સમય મર્યાદા નક્કી કરીને આયોજન કરવાથી પ્રગતિ ના રસ્તા પર આગેકૂચ કરી શકાય છે.
*મદદ લો અને મદદ કરો:*
જરૂર પડે મિત્રો કુટુંબી કે આજુબાજુના માણસો ની મદદ માંગતા અચકાવ નહીં એ જ રીતે તેમને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેવાથી મનને આનંદ-શાંતિ મળે છે.
*તમારી જાતને આનંદિત રાખો:*
કોઈ પણ સફળતા કે સારું કામ થાય ત્યારે તમને મનગમતી પ્રવૃતિ કરીને જાતને બદલો આપો,તેને પ્રેરણા આપો,રમત-ગમત,સારા પીકચર,મસાજ,માલિશ વિગેરે કરીને ક્યારેક તમારી જાતને પણ લાડ લડાવો.તમારે યાદ રાખવાનું કે તમે સુખી અને આનંદિત રહેવા માંગો છો.જિંદગીના વધુમાં વધુ મિનિટ-કલાક,દિવસો આનંદમાં રેહવાથી જિંદગી આનંદમય બની જશે.જે જગ્યાએ થી આનંદ મળે તે લૂંટતા(લેતા)શીખો.
*પડકાર ઝીલો*
નવા પડકાર ઝીલો,હિંમતવાન બનો,દરેક દિવસે બદલાતા રહો. બદલાવને અને શીખવાને એક તક ગણો,નવી શોધ,વસ્તુ પરિસ્થિતી,મિત્રોને અજમાવતા રહો.આશાવાદી બનો.નવા વિચારોને સ્વીકારો.
*આત્મવિશ્વાસ કેળવો*
જાત સાથે હકારાત્મક વાત કરો તમારી નબળાઈ અને શક્તિ જાણો,અને શક્તિ નો પૂરો ઉપયોગ કરો અને નબળાઈ સુધારવાની કોશિશ કરો.વારંવાર સૂચનો આપીને તમારા ધ્યેય તરફ આગળ વધો.
*સમાજ માં ભળો*
લોકો સાથે રહેવાથી આનંદ સંતોષ ની અનુભૂતિ થાય છે.એકલતામાંથી બહાર આવો.
યોગ્ય આર્થિક આયોજન:
આર્થિક પ્રશ્નો ઊભા ન થાય તેની સંભાળ લો,તેને કારણે ચિંતામાં વધારો થઈ શકે.
*હકારાત્મક વિચારસરણી*
હકારાત્મક વિચારોની શરીર પર અને આપણાં કાર્ય પર ખૂબ જ સારી અસર થાય છે. તેને કારણે શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે.”હું આ વસ્તુ કરીજ શકીશ’ તે વલણ અને તે વિચાર વારંવાર કરવાથી આપણી જાતમાં ઘણા પરીવર્તન લાવી શકાય છે.
*ચિંતા ને કાબૂ માં રાખો*
(Manage Stress)ચિંતા ને કઈ રીતે કાબુમાં રાખવી તે શીખો આવા સમયે તમને ગમતી પ્રવૃતિમાં મન લગાવવા કોશિષ કરો.ગીત-સંગીત હાસ્ય થેરાપી(Laughing Therapy) યોગ-ધ્યાન,પ્રાણાયામ,કસરત વિ.દ્વારા આપણી ચિંતા નું પ્રમાણ ઘટાડી શકાય છે.ક્યારેક હળવા-હાસ્યસ્પદ પીકચર,સિરિયલ વિ.આપણી ચિંતા ઓછી કરે છે.
*સમૂહમાં રહેતા શીખો*
સમૂહ શક્તિ થી મનની ચિંતા માં ઘટાડો થાય છે.તમારી ચિંતા વિષે યોગ્ય વ્યક્તિને વાત કરો. તમારી લાગણીઓને યોગ્ય જગ્યાએ વ્યકત કરતાં શીખો.
*જરૂર પડે તો નિષ્ણાંતની સલાહ લો*
દાંતની તકલીફ માટે દાંતના ડોક્ટરની સારવાર લઈએ છીએ તે જ રીતે લાગણીઓના માનસિક પ્રશ્નો માટે જરૂર પડે નિષ્ણાંત ની સલાહ લો.વધુ પડતી ભૂખ કે ઊંઘ ઓછી થઈ જાય,બેચેની લાગે,ગુસ્સો વધુ આવે,ગભરામણ થાય,ડર લાગે,નિર્ણય શક્તિ ઘટી જાય,જિંદગીમાં રસ ન પડે,વજન વધી જાય કે ઘટી જાય.વિ.તકલીફો ક્યારેક માનસિક બીમારી ને કારણે હોય શકે.આવું બને તો સાવચેતી રાખવાથી શરીર ની તંદુરસ્તી તો વધશે જ પણ સાથે આત્મવિશ્વાસ,સફળતા,આનંદ અને ધ્યેય ની પ્રાપ્તિ સહેલાઇથી થઈ શકશે.”Prevention is better than cure” બીમારીને અટકાવવી તે તેની સારવાર લેવા કરતાં વધુ સારું છે.જો થોડી તકેદારી રાખીશું તો માનસિક સ્વાસ્થ્ય સારું રાખી શકાશે.
10 ઓક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિતે આ સંદેશ દ્વારા માનસિક આરોગ્ય વિષે જાગૃતિ ફેલાવવા નો હેતુ છે.
--ડો.પરેશ શાહ
મગજ અને માનસિક રોગ નિષ્ણાંત,રાજકોટ
ફોન:-0281-2222522, 9724812522