09/08/2024
*"કઈ ગાડીને વધારે સાચવશો , બે વર્ષે બદલી નાખવાની છે એને, કે હજુ 10 વર્ષ સુધી ચલાવવાની છે એને ?"*
-ડૉ પાર્થિવ પટેલ......................................
ડોક્ટર - 'તમારા તાવના રિપોર્ટ તો નોર્મલ છે, પરંતું બ્લડ રિપોર્ટમાં ડાયાબિટીસ હાઈ આવે છે. અને તમારૂ બ્લડ પ્રેશર પણ વધારે છે. આ પહેલી વખત વધારે આવ્યું છે કે પહેલા ક્યારેય વધારે આવ્યું હતું ?
દર્દી - સાહેબ એ છોડો , મને ખાલી તાવની દવા લખી દો. ડાયાબિટીસ અને બીપી મને બે ત્રણ વરસથી રિપોર્ટમાં થોડું આવે જ છે.
ડોક્ટર - તાવની દવા તો હું લખી આપુ છું. પણ આ બંને બીમારી માટે કોઈ સારવાર ચાલે છે?
દર્દી- ના. એના માટે ખોરાકમાં કન્ટ્રોલ અને થોડું ક્યારેક ચાલવા જવાનું રાખું છું. દવાની જરૂર પડતી નથી. અત્યારે કેટલું છે ?
ડોક્ટર - અત્યારે ડાયાબીટીસ 250 છે , અને બીપી 160/90 છે. અમસ્તા રેગ્યુલર માં કેટલું રહે છે?
દર્દી - બસ આટલું જ રહે છે. પણ મારે દવાની જરૂર પડતી નથી.
ડોક્ટર - આટલા ડાયાબીટીસ અને બી.પી. માં તો દવા લેવી જોઈએ.......................
દર્દી (અને તેની સાથે આવેલા સગા એક સાથે એક સૂરમાં) - અરે સાહેબ *"આવી 28 વર્ષની નાની ઉંમરમાં અત્યારથી દવા થોડી લેવાય. કિડની ને નુકશાન થઈ જાય."*
ડોક્ટર - *"કઈ ગાડીને વધારે સાચવશો , બે વર્ષે બદલી નાખવાની છે એને, કે હજુ 10 વર્ષ સુધી ચલાવવાની છે એને ?"*
દર્દી - કેમ એવું પૂછો છો ?
ડોક્ટર - ડાયાબીટીસ અને બીપીના કારણે નસ બ્લોક થવામાં 5 થી 15 વર્ષ સમય લાગે છે.
જેમની ઉંમર 50 વર્ષ છે, એ બરાબર દવા ન કરે અને એટેક આવે કે કિડની ફેઇલ થાય ત્યારે તેની ઉમર 55-65 વર્ષ હશે. અને મોટા ભાગે નિવૃત્ત હશે.
જો માણસનું એવરેજ આયુષ્ય 70 વર્ષ ગણીએ, તો તમારી જેવા 30 વર્ષની ઉંમર વાળાની કિડનીને કે હ્રદયને ડાયાબીટીસ અને બીપી નો સામનો હજુ બીજા 40 વર્ષ સુધી કરવાનો છે. અને જો તે દવા ન લે તો તેને આવનારા 5 થી 15 વર્ષ પછી જો એટેક આવે કે કિડની ફેઇલ થાય તો ત્યારે તેની ઉંમર 35 થી 45 વર્ષ હશે. આ તબક્કે પરિવાર, બાળકો, માં બાપ અને સમાજ સહિતની બધાની જવાબદારીઓ એના પર હોય છે.
જેથી નાની ઉંમર વાળાએ ઘરડાં કરતા પણ વધારે ટાઈટ કંટ્રોલ મેન્ટેઇન રાખવો જરૂરી છે.....................................
👉🏻 ડાયાબિટીસ વાળું ચાસણી જેવું ચીકણું લોહી નસોને 5 થી 15 વર્ષે "ધીમે-ધીમે" જામ કરે છે. "તાત્કાલિક" નહીં.
👉🏻 હાઈ બીપીનો માર આંખ, કિડની, મગજ, હ્રદય વગેરેને થોડો થોડો, પણ સતત અને 5 થી 15 વર્ષ સુધી લાગ્યા કરે તો નસો ટોચાઈ અંગોને પરમેનન્ટલી ડેમેજ -ફેઈલ કરે છે.
👉🏻 નસો માં બ્લોકેજ/ડેમેજ 70 ટકાથી ઓછું હોય ત્યાં સુધી દર્દીને બહાર કોઈ ફરિયાદ નથી થતી, અને અંદરખાને ડેમેજ હોવા છતાં વર્ષો સુધી કિડની, હ્રદય વગેરેના રિપોર્ટ પણ નોર્મલ જ આવે છે.
👉🏻 મોટા ભાગે દર્દીને બીપી ડાયાબીટીસ બાબતની ફરિયાદો થાય ત્યાં સુધીમાં તે ઓલરેડી 5 વર્ષ જુનું હોઈ શકે છે.
👉🏻બન્ને બીમારીઓમાં દવા અને પરેજીથી કન્ટ્રોલ કરતાં એટેક કે કિડની ફેઇલ થતી રોકી શકાય છે.
👉🏻 નાની ઉંમરની વ્યક્તિને જમ્યા પછી બે કલાકનું ડાયાબીટીસ, સાવ નોર્મલની નજીક, એટલે કે 140 થી 160 આસપાસ લાવવાની ભલામણ છે. જ્યારે ઘરડાં વ્યક્તિઓને 180-200 પણ ચાલે.
👉🏻 ફોરેનમાં હોંશિયાર વૈજ્ઞાનિકો (જે રીતે સ્માર્ટફોન-કોમ્પ્યુટર વગેરેની શોધ કરે છે એ જ રીતે) લેબોરેટરી પ્રાણીઓમાં અને મનુષ્યોમાં, અનેક રિસર્ચ અને સર્વે કરીને ડાયાબીટીસ અને બીપીની એલોપથી દવાઓ બનાવે છે. જે કિડની બચાવવા માટે હોય છે. તેનાથી કિડની ફેઈલ થતી નથી. વર્ષો ના વર્ષો -આજીવન લેવા છતાં તેનાથી કિડની ને કોઈ નુકશાન થતું નથી.
👉🏻હાલ દુનિયામાં ફેઇલ થયેલ કિડનીના 70 ટકા દર્દીઓમાં કિડની ખરાબ થવાનું કારણ ડાયાબીટીસ અને બીપી છે. વર્ષો સુધી જમ્યાનું *ડાયાબીટીસ 200 ઉપર રહેવું અને બીપીનું 140/90 થી વધુ રહેતા આ 70 ટકા લોકોની કિડની ફેઈલ થઈ છે.*
👉🏻 બાકીના 30 ટકા લોકોને કિડની ખરાબ થવાનું કારણ પથરી- રસી/ચેપ -કેન્સર-પેઈન કિલર દવાઓ , વૈકલ્પિક સારવારમાં ભળેલ હેવી મેટલ/ટોક્સિન વગેરે છે. પરંતુ *કોઈને ડાયાબીટીસ અને બીપીની એલોપથી દવાથી કિડની ફેઇલ થતી નથી.*...................................
તમારી ગાડીના લાંબા આયુષ્ય માટે તેને સમયાંતરે સર્વિસ કરાવવી અને ઓઈલ ચેન્જ કરાવતું રહેવું જરૂરી છે. નહિતર બે ચાર વરસમાં ટળી જાય છે. એમ ડાયાબીટીસ અને બીપી વાળાને નિયમિત રિપોર્ટ કરાવવા અને દવા લેતા રહેવા પડે છે. નહિતર 5 થી 15 વર્ષે હ્રદય, મગજ, આંખ કે કિડની ડેમેજ થઈ (ટળી જઈ) શકે છે.
👉🏻 માટે નાની ઉંમર વાળાએ ઘરડાં કરતા પણ વધારે સતર્ક બની, ખાવામાં વધું માં વધુ કાળજી રાખી, રિપોર્ટ મુજબ ઓછામાં ઓછો જરૂરી ડોઝ ડોક્ટર પાસે એડજસ્ટ કરાવીને દવાઓ લેતી રહેવી જોઈએ. તો *"શરીરની ગાડી, ઝાઝાં વર્ષો ચાલશે"*.
-ડૉ પાર્થિવ પટેલ